JCB થી ખોદેલી કાળીમાટી

એક વાર સવારે હું ૯ વાગે પથારીમાંથી ઉઠીને નાઈ- ધોઈ,ચા-નાસ્તો કરીને સુંદર મજાનું ફાફડા-જલેબી જેવી ગરમા-ગરમ છાપાની ખબર વાંચી રહ્યો હતો. એમાંથી એક ખબર કંઈક આવી રીતે હતી. ગઈકાલે શનિવારના રોજ એક માજી દૂધ લેવા જઈ રહયા હતા. અને દૂધ લઇ ને ઘરે જવા જયારે એજ રસ્તે પાછા આવતા હતા ત્યારે એક વિફરેલા ઘોડા એ બિચારા નિર્દોષ માજીને શિંગડું મારીને પાડી દીધા. માજી ને ઘણું બધું વાગ્યું હતું. લોહી વહી રહ્યું હતું. પણ રસ્તે આવતા જતા કોઈ માણસે માજીની મદદ ના કરી. આટલું વાંચ્યું ત્યાં જ અમારા ઘરની સામે રહેતા ચંપામાસી અમારા ઘરે આવ્યા. અને મને કહ્યું કે "હાર્દિક તારા માતૃશ્રી ક્યાં છે?" મેં કહ્યું "માસી અંદર છે,કંઈક સાફ સફાઈ કરતી હશે"
અને એ સાંભળીને મારી મમ્મી બહાર આવી. ચંપામાસી અને મારા મમ્મી તો વાતુએ મંડાય પડ્યા. અને હું હજી એ ગરમા- ગરમ ખબર જ વાંચતો હતો. માજી બિચારા........ અને ત્યાં જ ચંપામાસીની એક વાત મારા કાને પડી. એ કહી રહ્યા હતા કે "આપણા સોસાયટીના દરવાજાની સામેના રોડે કંઈક ગટરની પાઇપલાઈનનું કામ ચાલુ છે અને કાળી માટી એ અલી એવી સરસ નીકળી છે ને". મારા મમ્મી એ વાત વધારવા કહ્યું "હા બઉજ સરસ કાળી માટી છે પણ આ કાળી માટી વાત તમે અતારે કા કરો છો ચંપાબેન??".
ચંપામાસીએ વળી પાછા તાપસી પૂરતા કહ્યું "અલી બેન.. મારા તુલસીમાં તો સાવ સુકાય ગયા છે,અમારે ઘરે તો બિચારા તુલસીમાં ખીલતા જ નથી"
મારા મમ્મી એ પાછું થોડી મૂંઝવણ સાથે પૂછ્યું " હા તો કાલે સવારે આપણે ત્યાં પેલા ફૂલ- છોડ ભાઈ આવે ત્યારે એમની પાસેથી એક સરસ મજાનો સારો તુલસીનો રોપડો લઇ લેજો એટલે સરસ ખીલી ઉઠશે" પણ મારા મમ્મી ને હજી એ સમજાયું નહિ કે આ JCB થી ખોદેલી કાળીમાટી ની વાત ચંપાબેન કેમ કરે છે!!!!!!!!
ચંપામાસીએ હળવાશથી કહ્યું કે "અલી બેન...એમાં કોણ ખોટા ૨૫- ૫૦ રૂપિયા નાખે? "
"હા તો પણ તમે કરવા શુ માંગો છો? તમારે ઘરમાં તુલસીમાં નથી રાખવા?? તુલસી વગરનું ઘર તો લક્ષ્મી વગરના ધંધા જેવું કેવાય",મારા મમ્મી એ હસતા હસતા કહ્યું
"અરે પેલા આપણા સોસાયટીની દરવાજાની સામના રોડ પર ઘણીએ કાળી માટી પડી છે અને એમાં મારા તુલસીનો રોપડો એ સરસ ખીલશે એટલે હું તો હમણાં એક થેલી ભરીને કાળી માટી લેવા જાવ છું. અને ઈ ભાઈ ય કાઈ ના થોડી પાડવાના છે!!! પછી માટી લઇ ને પછી આપણા પાછળવાળા આશ્રમમાંથી એક તુલસીનો સારો માટીમાં ચોંટી જાય એવો રોપડો ઉખાડીને લઇ આવીશ. અને આમય ન્યાં ઘણાય તુલસીના નાના નાના રોપડા(છોડવા) છે. એક ઓછો થઇ જાય તો એમને શું ફેર પડે?!!. અને આશ્રમવાળા ભાઈ ય કાઈ ના થોડી પાડવાના છે!!! પછી ઘરે આવીને કાળીમાટી કુંડામાં નાખીને તુલસીના રોપ ને સરખી રીતે ચોંટાડી દઈશ", ચંપામાસીએ મારા માતૃશ્રીને જેમ કૃષ્ણ અર્જુનને સમજાવે એમ સમજાવ્યું
"હા આ તો સારી વાત છે, ઈ માટીએ બઉ જ સરસ હોય,એકદમ કાંપવાળી.. અને એમાં તુલસીમાં એ જલદી થી ખીલી ઉઠશે",મારા મમ્મી એ ચંપામાસીને પ્રોત્સાહન આપતા કહ્યું
"અલી બેન તારે આવવું છે???તો હાલ હું અત્યારે જાવ છું માટી લેવા , ઈ માટી જેવી ક્યાંય ના મળે હો " ચંપાબેનએ થોડું ફુલાતા કહ્યું
"ના ના મારે સરસ તુલસીમાં છે ચંપાબેન..,હાલો તમારે જોવા હોય તો "મારા મમ્મી એ પાછું કહ્યું. પછી તુલસી જોઈ ને ચંપામાસી માટી લેવા જતા રહ્યા અને મારા મમ્મી એનું કામ કરવા લાગી.
અને હું હજી એ પેલા બિચારામાજી પર દયા કરતો હતો....પછી મને ખબર પડી કે ઘોડાને શિંગડા તો હોય જ નહિ પણ એ શનિવારની રમૂજ પૂર્તિ હતી. બિચારા માજી........
મન ખુલ્લું રાખીને દરેક ક્ષણ નિહાળવી,કદાચ તમારા કામનું,આનંદનું કંઈક મળી જાય
મન ભરી ને જીવો ,મનમાં ભરીને નહિ 
હવે એક આ બિચારો લેખક તમને વિનંતી કરે છે કે "એક ઉગતા લેખક માટે ફીડબેક ,રીવ્યુસ બઉ જ મહત્વના હોય છે ,તો મહેરબાની કરીને આ લેખ ગમ્યો લાગ્યો હોય તો હજાર ને કેજો અને ના ગમ્યો હોય તો લાખને કેજો પણ કહેજો ખરી...
અને આમાં કઈ ઉમેરવા જેવું હોય તો તમે મને કોમેન્ટ માં લખી શકો છો. તમારો આભાર આ વાર્તા વાંચવા બદલ 
-હાર્દિક કુંભાણીનાં પ્રણામ

Comments

Popular posts from this blog

એકલતા

ઘર એટલે સ્માર્ટફોનની સ્માર્ટ દુકાન

એક ઇતવાર ઓપ્પો એ૮૩ કે નામ